નિરોણાથી રાણુજા ધામ સુધી ભક્તિનો બુલંદ જયઘોષ: 700 કિમીની બાઈક યાત્રાએ પકડી પવિત્ર ધામની વાટ
કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના નિરોણા ગામથી રાજસ્થાનના પ્રસિદ્ધ રામદેવરા રાણુજા ધામ સુધીની ભક્તિમય બાઈક યાત્રાનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાબા રામદેવપીર પ્રત્યેની આસ્થા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાઈક લઈને યાત્રામાં જોડાયા
નીરોણા થી રણુજા બાઇક યાત્રા


કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના નિરોણા ગામથી રાજસ્થાનના પ્રસિદ્ધ રામદેવરા રાણુજા ધામ સુધીની ભક્તિમય બાઈક યાત્રાનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાબા રામદેવપીર પ્રત્યેની આસ્થા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાઈક લઈને યાત્રામાં જોડાયા હતા. યાત્રાના પ્રસ્થાન સમયે સમગ્ર વાતાવરણ ‘બાબા રામદેવપીર મહારાજની જય’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

નિરોણા સ્થિત ફૂલપીરદાદા મંદિર ખાતે યાત્રિકો એકત્ર થયા બાદ ધાર્મિક માહોલમાં યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. બાઈક પર બાબા રામદેવપીરની ધજા તથા ધાર્મિક ધ્વજ લગાવવામાં આવ્યા હતા. ભક્તોએ મંદિર ખાતે દર્શન અને પ્રાર્થના કર્યા બાદ રાણુજા ધામ તરફ પ્રયાણ કર્યું હતું. ધજા સાથે એકસાથે નીકળેલી બાઈકોના કાફલાથી નિરોણામાં ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો.

બાબા રામદેવપીરના દર્શનની ભાવના સાથે નીકળેલા યાત્રિકો આશરે 700 કિલોમીટરનું અંતર કાપીને રાજસ્થાનના રામદેવરા પહોંચશે. કચ્છથી શરૂ થનારી આ સફર દરમિયાન વિવિધ સ્થળો પરથી પસાર થઈને યાત્રિકો રાણુજા ધામ પહોંચશે. લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને યાત્રિકો દ્વારા માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતી સાથે વાહન ચલાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

રાણુજા ધામ પહોંચ્યા બાદ યાત્રિકો બાબા રામદેવપીરના દર્શન કરી પૂજા-અર્ચના કરશે અને પવિત્ર ધજા અર્પણ કરશે. પરિવારજનો, ગ્રામજનો તેમજ સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નહીં પરંતુ ભક્તો માટે પોતાની શ્રદ્ધા અને સંકલ્પને વ્યક્ત કરવાનો અવસર બની છે.

નિરોણાથી નીકળેલા બાઈક સવારોમાં યાત્રા પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. પરિવારજનો અને ગ્રામજનો દ્વારા યાત્રિકોને શુભેચ્છા પાઠવી સલામત અને સફળ યાત્રા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ‘નવરંગ નેજા ફરકે, નવખંડ સે વરસે નૂર’ની ભાવના સાથે શરૂ થયેલી આ યાત્રા રામદેવપીરની ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક એકતાનો સંદેશ આપતી બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande