
કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે દેશની સરહદની રક્ષા કરતાં શહીદી વહોરનાર વીર સપૂત માણશી ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે ભાવસભર વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના વીર સ્મારક પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો, પરિવારજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી શહીદ માણશી ગઢવીના બલિદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત શહીદ માણશી ગઢવીની પ્રતિમાના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રતિમાને માલ્યાર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહીદની સ્મૃતિમાં મૌન પાળીને દેશ માટે આપેલા અમૂલ્ય બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ દરમિયાન ‘શહીદ માણશી અમર રહો’ના ગગનભેદી નારાઓથી વીર સ્મારક પરિસર ગુંજી ઉઠ્યું હતું.
કાશ્મીરના પૂંછ સરહદી વિસ્તારમાં ફરજ બજાવતી વખતે દેશની રક્ષા માટે જીવનનું બલિદાન આપનાર માણશી ગઢવીની શૌર્યગાથા આજે પણ તેમના વતનવાસીઓ માટે પ્રેરણારૂપ બની છે. પુણ્યતિથિના પ્રસંગે તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા શહીદની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવી હતી.
વીરાંજલિ કાર્યક્રમમાં ચારણી સાહિત્યકાર આશાનંદ ગઢવી, ચારણ સમાજના પ્રમુખ દેશરભાઈ રામાણી, ઉપસરપંચ માણશીભાઈ સાખરા તેમજ શહીદ માણશી ગઢવીના પિતા રાજદેભાઈ ગઢવી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે આપેલા બલિદાનને નમન કર્યું હતું.
આ પ્રસંગે આઈ સોનલ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય પુનશી ગઢવી, પૂર્વ આચાર્ય મેઘરાજ ટાપરિયા, પ્રધાન આચાર્ય હરિભાઈ ગાગિયા અને કુમાર શાળાના વિપુલ પટેલ સહિત શિક્ષકગણ પણ જોડાયા હતા. કન્યાશાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શહીદ માણશી ગઢવીની પુણ્યતિથિએ યોજાયેલ આ કાર્યક્રમ માત્ર સ્મરણનો પ્રસંગ ન બની, પરંતુ નવી પેઢીને દેશપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો સાથે જોડવાનો સંદેશ પણ આપી ગયો. વતનની માટીમાં જ શહીદને મળેલી આ વીરાંજલિએ ઉપસ્થિત સૌની આંખોમાં ગૌરવ અને લાગણીની અનુભૂતિ કરાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar