
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડીટેક્ટ મોટરસાઇકલ ચોરીના ગુનાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ચોરીની બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.10 હજારની કિંમતની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કબજે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વાહનચોરી કરતા ઇસમોને ઝડપી પાડવા LCB દ્વારા પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન PSI એસ.વી. પઢારીયા, ASI નરેન્દ્રસિંહ હઠેસિંહ અને HC પ્રદિપકુમાર જયંતિભાઈ સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલિંગમાં હતો.
નાગલપુર પાટિયા પાસે ASI નરેન્દ્રસિંહ અને HC પ્રદિપકુમારને બાતમી મળી હતી કે પાલાવાસણા સર્કલ બ્રિજ નીચે એક વ્યક્તિ ચોરીની નંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાથે ઉભો છે. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક સાથે ઉભેલા કનુજી ઉર્ફે કરણ દિવાનજી ધુળાજી ઠાકોર, ઉંમર 25, રહે. વડોસણ,ને ઝડપી પાડ્યો હતો.
બાઇક અંગે માલિકીના દસ્તાવેજો માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં બાઇકનો RTO નંબર GJ-02-BQ-8888 હોવાનું તથા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 27 ડિસેમ્બર 2025ના રોજ BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા વાહનચોરીના ગુનામાં તે ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાઇક કબજે કરી આરોપીને અટકાયત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR