
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે ગુરુવારે માર્ગ સલામતી બાઇક રેલી યોજવામાં આવી હતી. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ટ્રાફિક નિયમોના પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
રેલીની શરૂઆત મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, વિજાપુર ધારાસભ્ય સી.જે. ચાવડા અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળેલી બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન વાહનચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ, ટ્રાફિક શિસ્ત અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ મહાનુભાવો, પોલીસ અધિકારીઓ, જવાનો અને ઉપસ્થિત નાગરિકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે શપથ લેવડાવ્યા હતા. માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન, હેલ્મેટનો ઉપયોગ અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રેલીમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR