મહેસાણા બાયપાસ પરથી બલેનોમાંથી 394 લીટર દારૂ સાથે એક આરોપી ઝડપાયો
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુવિધા સર્કલ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી બલેનો કારમાંથી ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 1440 બોટલ અને બ
મહેસાણા બાયપાસ પરથી બલેનોમાંથી 394 લીટર દારૂ સાથે એક આરોપી ઝડપાયો


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુવિધા સર્કલ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી બલેનો કારમાંથી ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 1440 બોટલ અને બીયર ટીન મળી કુલ 394.08 લીટર દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત રૂ.8,91,224નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

મળેલી બાતમીના આધારે LCBની ટીમે સુવિધા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની સફેદ રંગની બલેનો કાર નં. GJ-27-EJ-6313 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, કારચાલકે વાહન રોકવાને બદલે શીવાળા સર્કલ તરફ હંકારી મૂક્યું હતું. પોલીસે પીછો કરી કારને અટકાવી ચાલક તેજારામ ઘમંડારામ જાટ, રહે. બાડમેર, રાજસ્થાનને ઝડપી લીધો હતો.

કારની તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની શીલબંધ દારૂની બોટલ અને બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ.3,88,224નો દારૂ, રૂ.5 લાખની બલેનો કાર અને રૂ.3 હજારનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો.

આ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ બિશ્નોઈ માલારામ માધારામ અને જાટ ગંગારામ કોશલારામની શોધખોળ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande