


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાદરવી પૂનમના મેળાને પગલે અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે શાહપુરા કંપા વિસ્તારમાં અમદાવાદના ઘાટલોડિયાના જય અંબે સેવા કેમ્પ દ્વારા છેલ્લા 15 વર્ષથી ખીચાની સેવા કરવામાં આવી રહી છે. 4 દિવસ ચાલતા આ કેમ્પમાં દરરોજ આશરે 25થી 30 હજાર પદયાત્રીઓને ગરમાગરમ ખીચું પીરસવામાં આવે છે. 4 દિવસમાં સવા લાખથી વધુ માઈભક્તો ખીચાના પ્રસાદનો લાભ લે છે.
આટલી મોટી સંખ્યામાં ખીચું તૈયાર કરવા માટે કેમ્પમાં 4 દિવસ દરમિયાન આશરે 1,200થી 1,500 કિલો લોટ અને 50થી 60 ડબા સિંગતેલનો ઉપયોગ થાય છે. ખીચામાં લીલા મરચાં, અથાણું અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. મોટી માત્રામાં સામગ્રીની જરૂરિયાત હોવાથી કેમ્પ શરૂ થાય તે પહેલાં જ વ્યવસ્થા કરવામાં આવે છે.
સેવાભાવીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં વાહનમાં મેડિકલ દવાઓ અને જરૂરી સામગ્રી લઈ અલગ-અલગ સ્થળે સેવા કરવામાં આવતી હતી. ત્યારબાદ શાહપુરા કંપા વિસ્તારમાં જગ્યા મળતાં અહીં નિયમિત ખીચું અને મેડિકલ સેવા શરૂ કરવામાં આવી.
કેમ્પની કામગીરીમાં 100થી 150 લોકો જોડાય છે, જેમાં 15થી 20 મહિલાઓ પણ સેવા આપે છે. ખીચાની સાથે મેડિકલ સેવા, સ્વચ્છતા અને આ વર્ષે અંગદાન અંગે જાગૃતિ માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR