
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના 20મા ગણિત મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ અને શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ, સોનગઢના સંયુક્ત ઉપક્રમે 19 અને 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રાજ્યકક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો હતો.
મહોત્સવમાં શેઠ એમ. એન. હાઈસ્કૂલના પટેલ વેદ નીતિનકુમારે મોડલ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે જોષી કહેરારામ હીરાલાલે રોલ પ્લે સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં સર્જનાત્મકતા, તર્કશક્તિ અને અસરકારક રજૂઆત દ્વારા આ સિદ્ધિ મેળવી હતી.
વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને માર્ગદર્શક ડૉ. અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાની તૈયારી કરી હતી. મહોત્સવમાં ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ અને મંત્રી મનસુખભાઈ પટેલે બંને વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક ડૉ. અલ્પેશકુમાર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR