
નવસારી, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને લોકભાગીદારી વધારવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન શાખા દ્વારા ‘જય ગણેશ સંસ્થાન’ તેમજ ગામના વિવિધ સ્વસહાય જૂથોના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અભિયાનમાં વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક સ્વસહાય જૂથોના કાર્યકરોએ સક્રિય ભાગ લીધો હતો. ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, કચરાનું સ્ત્રોત પર જ વિભાજન કરવા, ભીનો અને સુકો કચરો અલગ રાખવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જનજાગૃતિ આપવામાં આવી હતી. સફાઈ અને કચરા એકત્રિકરણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વસહાય જૂથોના સભ્યો તથા સંસ્થાઓના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.
સ્વચ્છતાને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે સ્થાનિક રમતગમત પ્રવૃત્તિઓ અને ‘શૂન્ય કચરા રમતગમત સ્પર્ધાઓ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રમતોના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના પ્રચાર-પ્રસાર માટે ગામો અને શાળાઓમાં ‘સ્વચ્છ સેલ્ફી પોઈન્ટ’ પણ ઊભા કરવામાં આવ્યા હતા. તેના દ્વારા ખાસ કરીને યુવાનોને સ્વચ્છતા અભિયાન સાથે જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભિયાન દ્વારા ‘સ્વચ્છતા સૌની જવાબદારી’નો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રહે અને લોકો તેને દૈનિક જીવનશૈલી તરીકે અપનાવે તે હેતુથી આયોજિત વિવિધ પ્રવૃત્તિઓને લોકભાગીદારીનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે