
- ઐતિહાસિક રેલ વારસો, સ્થાનિક સંસ્કૃતિ અને રેલવેની ગૌરવશાળી યાત્રાનું કરવામાં આવ્યું પ્રદર્શન.
ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર 22 સપ્ટેમ્બર 2026ના રોજ વીસાવદર રેલવે સ્ટેશન ખાતે “સ્ટેશન મહોત્સવ – Birthday Celebration of Historic/Heritage Railway Station”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ વીસાવદરના ઐતિહાસિક રેલ વારસા તથા સ્થાનિક સંસ્કૃતિને પ્રદર્શિત કરીને નવી પેઢીને ભારતીય રેલવેના ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત કરાવવાનો હતો.
કાર્યક્રમનું આયોજન મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે સ્ટેશન મહોત્સવ વીસાવદરના ઐતિહાસિક રેલ વારસાને જાળવવા અને સામાન્ય જનતાને તેની સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
મહોત્સવ દરમિયાન ઐતિહાસિક ફોટો પ્રદર્શન, Vintage Exhibits, Flag March તથા Helium Balloon Raising સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેની જૂની મીટર ગેજ વ્યવસ્થા તથા સૌરાષ્ટ્રના રેલ વારસા સંબંધિત માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે “Virasat Smarika”નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં Drawing Competition, નુક્કડ નાટક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને રેલવે વારસા, સ્વચ્છતા, સુરક્ષિત મુસાફરી તથા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે “સ્ટેશન મહોત્સવ” ઓગસ્ટથી નવેમ્બર 2026 દરમિયાન 100 વર્ષ કે તેથી વધુ જૂના ઐતિહાસિક અને વારસાગત રેલવે સ્ટેશનો પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમોના માધ્યમથી ભારતીય રેલવેના સમૃદ્ધ વારસાને જાળવવા અને પ્રદર્શિત કરવા તેમજ નવી પેઢીને રેલવેના ઐતિહાસિક વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી. રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ