
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)વિદ્યાર્થીઓમાં સામાન્યજ્ઞાન, બુદ્ધિમત્તા અને સ્પર્ધાત્મક અભિગમ કેળવાય તેમજ નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો આત્મવિશ્વાસ વધે તે હેતુથી લોક કલ્યાણ વિદ્યાલય, માઈધાર ખાતે વિકાસ વર્તુળ દ્વારા GK-IQ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ ૩૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી સામાન્યજ્ઞાન અને બુદ્ધિમત્તા આધારિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરી પોતાની ક્ષમતાની કસોટી કરી હતી.
વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે રસ વધે અને ભવિષ્યમાં યોજાતી વિવિધ પ્રવેશ તથા સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેઓ અત્યારથી જ તૈયાર થઈ શકે તે માટે વિકાસ વર્તુળ દ્વારા સમયાંતરે આવી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રકારની પરીક્ષાઓથી વિદ્યાર્થીઓમાં સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ, સામાન્યજ્ઞાન અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. સાથે જ વિદ્યાર્થીઓને પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરવાની તક પણ મળે છે.
લોક કલ્યાણ વિદ્યાલય માઈધાર ખાતે યોજાયેલી આ પરીક્ષાના આયોજન અને સંચાલનમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિકાસ વર્તુળના હોદ્દેદારોએ સહયોગ આપ્યો હતો. પરીક્ષામાં ઉત્સાહપૂર્વક જોડાયેલા તમામ ૩૪૦ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તથા વિકાસ વર્તુળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA