
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના નેસવડ ખાતે આગામી બુધવારે તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ સહકારી ક્ષેત્રે ૪૦ વર્ષની કારકિર્દી પૂર્ણ કરનાર હરિભાઈ જોષીના અભિવાદન માટે કાર્યક્રમ યોજાશે. નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપનાને પણ ૪૦ વર્ષ પૂર્ણ થતાં આ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સ્થાપક તરીકે હરિભાઈ જોષીએ સહકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. મંડળીની સ્થાપનાથી લઈને તેના વિકાસ અને દૂધ ઉત્પાદકો સાથેના સહકારના કાર્યમાં તેમણે લાંબા સમયથી યોગદાન આપ્યું છે. તેમની સહકારી ક્ષેત્રની ૪૦ વર્ષની સેવાઓને ધ્યાનમાં રાખીને મંડળી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવશે.
હાલમાં ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સર્વોત્તમ)માં મુખ્ય વહીવટી જવાબદારી નિભાવતા હરિભાઈ જોષીના કાર્યકાળને યાદગાર બનાવવા માટે નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની તૈયારીઓને લઈને મંડળીના પ્રમુખ દયારામભાઈ બારૈયા અને મંત્રી પ્રાગજીભાઈ માંડવા સહિત મંડળીના સભાસદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો, દૂધ ઉત્પાદકો, મંડળીના સભાસદો તથા વિવિધ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહી હરિભાઈ જોષીની ચાર દાયકાની સહકારી ક્ષેત્રની કામગીરીને બિરદાવશે.
નેસવડ ખાતે યોજાનારા આ કાર્યક્રમને લઈને મંડળીના સભાસદો અને દૂધ ઉત્પાદકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA