
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)શાળાકીય રમતોત્સવ 2026 અંતર્ગત રાજ્ય કક્ષાની અંડર-17 બહેનોની વુશુ સ્પર્ધાનું આયોજન આણંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર ગ્રામ્યની ટીમ તરફથી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા, મણારની વિદ્યાર્થીની લાંબરિયા સિદ્ધિ રાજુભાઈએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સિદ્ધિએ પોતાની મહેનત, સતત અભ્યાસ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાના બળે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ભાવનગર ગ્રામ્ય જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાની આ સફળતા બાદ હવે સિદ્ધિ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય અને ભાવનગર ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સિદ્ધિ આગામી તા. 12થી 20 ઓક્ટોબર દરમિયાન જમ્મુ-શ્રીનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની વુશુ સ્પર્ધામાં ગુજરાતની ટીમ સાથે ભાગ લેશે. રાજ્ય કક્ષાએ મેળવેલી સિદ્ધિ બદલ લોકશાળાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગર, કોચ સુનીલભાઈ ખાવડુ, નિયામક મેહુલભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા સિદ્ધિને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
સિદ્ધિની આ સફળતા શાળાના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. રમતગમત ક્ષેત્રે સતત મહેનત અને પ્રતિબદ્ધતા રાખવાથી સફળતા મેળવી શકાય છે તેનો સિદ્ધિએ ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ સિદ્ધિ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાત અને ભાવનગર ગ્રામ્ય જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA