
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પાલીતાણા તાલુકાના વાલુકડ ગામે વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉન્નતિબેન શેલાણાએ ‘વિકસિત ભારત-2047’ વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
પાલીતાણા તાલુકા કક્ષાની આ વક્તૃત્વ સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં ઉન્નતિબેન શેલાણાએ ‘વિકસિત ભારત-2047’ જેવા મહત્વપૂર્ણ વિષય પર અસરકારક રજૂઆત કરી હતી. પોતાના વક્તવ્ય દ્વારા તેમણે ભારતના ભવિષ્યના વિકાસ, શિક્ષણ, યુવાનોની ભૂમિકા, ટેક્નોલોજી અને દેશને વિકસિત બનાવવાના સંકલ્પ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમના વક્તવ્યને નિર્ણાયકોએ પસંદ કરતાં તેમને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો.
ઉન્નતિબેનની આ સિદ્ધિ બદલ લુવારવાવ મુકામે યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે તેમને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીનીની આ સિદ્ધિથી લોક વિદ્યાલય વાલુકડમાં આનંદની લાગણી પ્રસરી છે. ઉન્નતિબેનની સિદ્ધિ બદલ વિનય વિહાર કેળવણી મંડળના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી નાનુભાઈ શિરોયાએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં પણ શિક્ષણ તેમજ વિવિધ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA