
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરે અંગારકી સંકટ ચોથ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સાંજ સુધીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ દાદાના દર્શનનો લાભ લીધો હતો.
અંગારકી સંકટ ચોથના દિવસે ગણપતિ દાદાના દર્શન અને પૂજા-અર્ચના માટે મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઐઠોર પહોંચ્યા હતા. ભક્તોની વધતી સંખ્યાને પગલે મંદિર પરિસરમાં દિવસભર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ કતારમાં ઊભા રહી ગણપતિ દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
શ્રી ગણપતિ મંદિર સંસ્થા દ્વારા ઉપવાસી ભક્તો માટે ચા, પાણી અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ દાદાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ શણગારેલા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંગારકી સંકટ ચોથ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન ઐઠોર ગણપતિ મંદિર ખાતે ભક્તોની અવરજવર ચાલુ રહી હતી. સાંજ સુધીમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR