
સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): સુરત મહાનગરપાલિકા સંચાલિત મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા નં. 175, નવાગામ, ડિંડોલી ખાતે તા. ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સ્વચ્છતા તથા જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ અભિયાનમાં શાળાના આચાર્ય કૈલાસ પરદેશી, સુપરવાઈઝર કમલબેન પાટીલ, તેમજ ફાલ્ગુનીબેન, મંજુલાબેન, યોગિતાબેન, સંકેતભાઈ, કલ્પનાબેન, રમેશ્વારીબેન, રાજેશ્વરીબેન, શંકર વાઘ, પ્રવીણ પાટીલ, સાહેબરાવ, દિવ્યાબેન અને મીનાક્ષીબેન સહિતના શિક્ષકગણે ઉત્સાહપૂર્વક માર્ગદર્શન પૂરું પાડી સક્રિય સહયોગ આપ્યો હતો. શાળાની તમામ દીકરીઓ અને આસપાસના વાલીઓ પણ આ સ્વચ્છતા યજ્ઞમાં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. શાળા પરિસરમાં “સ્વચ્છ ભારત”, “પ્લાસ્ટિકમુક્ત ભારત”, “ગ્રે વોટર વ્યવસ્થાપન” અને “કચરામાંથી સંપત્તિ” જેવા વિષયો પર નિબંધ, ચિત્રકામ તથા ચર્ચા સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ યુવા નેતૃત્વ હેઠળ ‘સ્વચ્છતા દૂત’ તરીકે પ્રેરિત થઈને જાહેર સ્થળોએ સફાઈ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકભોગ્ય બનાવ્યો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં સ્વચ્છતા તથા આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાની પ્રબળ ભાવના ઉજાગર થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે