
નવસારી, 29 સપ્ટેમ્બર (હિ.સ.): સેવા સંકલ્પ અભિયાન હેઠળ સ્વચ્છતા હી સેવા-2026 અંતર્ગત નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા જનભાગીદારીને વેગ આપવાના આશયથી આજરોજ સ્વચ્છતા તથા જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ ગ્રામ્યકક્ષાએ હાથ ધરવામાં આવી હતી.
મહાવિદ્યાલયો તેમજ શાળા કક્ષાએ “સ્વચ્છ ભારત”, “પ્લાસ્ટિકમુક્ત ભારત”, “ગ્રે વોટર વ્યવસ્થાપન” તથા “કચરામાંથી સંપત્તિ” જેવા વિષયો પર નિબંધ લેખન, ચિત્રકામ, પ્રશ્નોત્તરી તથા ચર્ચા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ નવસારી તેમજ જલાલપોર તાલુકાના નાડોદ, અદાડા, વેગામ, પારડી, બોરીફળીયા ગામની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના માર્ગો અને જાહેર સ્થળોએ ચિત્રકામ તથા દિવાલ લેખન દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી. શાળાઓમાં યુવા નેતૃત્વ હેઠળ માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ હાથ ધરી યુવાનોને “સ્વચ્છતા દૂત” તરીકે પ્રેરિત કરવામાં આવ્યા હતા.તદુપરાંત, વિવિધ NGO/સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા કામગીરીમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું.
સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સભ્યોએ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બની જાહેર સ્થળોની સફાઈ તથા સ્વચ્છતા જાળવણીની કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ, સ્વસહાય જૂથોના સભ્યો તથા વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અંગે તાલીમ અને જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત પ્રવૃત્તિઓના માધ્યમથી સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ તથા સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી વધારવા માટેના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે