



કચ્છ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા તેમજ નશીલા પદાર્થો સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી ગાંધીધામ, ભચાઉ અને બેલા ગામ ખાતે વિશેષ જાગૃતિ સેમિનારો યોજવામાં આવ્યા હતા. ત્રણેય કાર્યક્રમોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક આગેવાનો સહિત 450થી વધુ લોકો જોડાયા હતા.
ગાંધીધામની ડી.એન.વી. કોલેજ ખાતે એસ.ઓ.જી. શાખા દ્વારા આયોજિત સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર છેતરપિંડીના બદલાતા સ્વરૂપો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડિજિટલ એરેસ્ટ, ઈ-ચલણ, વોટ્સએપ પર આમંત્રણ કે અન્ય બહાના હેઠળ મોકલવામાં આવતી APK ફાઈલ ડાઉનલોડ કરવાથી મોબાઈલ હેક થવાના જોખમો તેમજ બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપડી જવાની ઘટનાઓ અંગે સમજ આપવામાં આવી હતી. મોબાઈલ હેક થઈ જાય અથવા વોટ્સએપ એકાઉન્ટનો કબજો ગુમાવી દેવામાં આવે ત્યારે તાત્કાલિક કયા પગલાં લેવા તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાથી ઊભા થઈ શકતા જોખમો, ઓનલાઈન છેતરપિંડી, AI ટૂલ્સના ઉપયોગ સાથે જોડાયેલા ફાયદા-ગેરફાયદા, ડીપફેક વીડિયો અને મ્યુલ એકાઉન્ટ જેવા વિષયો પણ સેમિનારમાં સમજાવવામાં આવ્યા હતા. સાયબર ગુનાનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી હતી.
સાથે જ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે વિદ્યાર્થીઓને નશાના શારીરિક અને સામાજિક નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી. નશાની લતના સંભવિત સંકેતો ઓળખવા, ડ્રગ્સથી દૂર રહેવા અને નશામુક્ત ભારતના સંકલ્પમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. ગોપાલભાઈ દ્વારા 1933 માનસ હેલ્પલાઈન તથા નાર્કોટિક્સ વિભાગના 1908 ટોલ ફ્રી નંબર અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
ભચાઉની સરસ્વતી વિદ્યાલય ખાતે પો.સ.ઈ. કે.બી. તરાર દ્વારા સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું. જ્યારે બાલાસર પોલીસ સ્ટેશનની બેલા બીટમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઈન ગેમિંગ, સોશિયલ મીડિયા, AIના ઉપયોગ અને ટેકનોલોજીનો સુરક્ષિત ઉપયોગ અંગે સમજાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ગુનાથી સાવચેત રહેવા અને કોઈ ઘટના બને તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar