
કચ્છ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલા વિશેષ અભિયાન ‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે. NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા આશરે આઠ મહિનાથી પોલીસની પકડથી દૂર રહેલા એક લીસ્ટેડ આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાયદાની જાળમાં લાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યવ્યાપી વિશેષ અભિયાન અંતર્ગત મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ ઉપરાંત NDPS, પ્રોહિબિશન અને જુગારના ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
આ કામગીરીના ભાગરૂપે અંજાર પોલીસ સ્ટેશનના NDPS કેસમાં નોંધાયેલા અને લીસ્ટેડ આરોપી રમેશ હરીરામ બિશ્નોઈ અંગે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી અને હાલમાં ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં રહેતા આરોપી સામે અંજાર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા આશરે આઠ મહિનાથી પોલીસથી બચતો ફરતો હતો.
આરોપીને શોધવા માટે અંજાર પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર આરોપી રાજસ્થાનના સાંચોર વિસ્તારમાં હોવાની શક્યતા છે. બાતમીને આધારે અંજાર પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન તરફ રવાના કરવામાં આવી હતી. પોલીસે મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી આરોપી રમેશ હરીરામ બિશ્નોઈને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા આરોપીની ઉંમર 26 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તે જવાહરનગર, ગાંધીધામ ખાતે રહેતો હતો અને મૂળ સંકડ, તા.જી. જાલોર, રાજસ્થાનનો રહેવાસી છે. તેની સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11993003260227/2026 મુજબ NDPS એક્ટની કલમ 8(C), 21(B), 29 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયેલો છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar