
કચ્છ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ત્રણ ઇસમોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે કાર્ગો પીએસએલ વિસ્તારમાં દરોડો પાડી રોકડ રકમ અને ગંજીપાનાં સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાર્ગો પીએસએલ ગલી નંબર-01માં આવેલી જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપાનાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ત્યાં રોકડ રકમની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10,400 અને ગંજીપાનાં 52 નંગ કબજે કર્યા હતા.
પોલીસે ઝડપી પાડેલા ઇસમોની ઓળખ વસીમખાન ઝમીરખાન શેખ, ઉંમર 33 વર્ષ, રહે. કાર્ગો પીએસએલ ગલી નંબર-01, ગાંધીધામ, ચંદનકુમાર દશરથ મહંતો, ઉંમર 24 વર્ષ, રહે. કાર્ગો પીએસએલ ગલી નંબર-03, ગાંધીધામ અને ઉત્તમ બૈજેન્દ્ર કેવટ, ઉંમર 30 વર્ષ, રહે. કાર્ગો પીએસએલ ગલી નંબર-03, ગાંધીધામ તરીકે કરી છે.
આ સમગ્ર કાર્યવાહી જુગારધારા કલમ-12 હેઠળ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર સ્થળોએ ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની પેટ્રોલિંગ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત્ રહેવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar