
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા મેળામાં જિલ્લાના મોટી સંખ્યામાં રોજગારવાંછુ યુવાનોએ ભાગ લીધો હતો. 20થી વધુ કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભરતી મેળાનો હેતુ યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય મુજબ ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવાનો હતો. ઉમેદવારોએ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યા હતા. રોજગાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે યુવાનોને બદલાતા ટેકનોલોજીના યુગમાં કૌશલ્ય વિકસાવવા અને ડિજિટલ ટેકનોલોજી તથા AI અંગે જ્ઞાન મેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વડનગર ખાતેના L&T સ્કીલ ટ્રેનિંગ સેન્ટરનો લાભ લેવા પણ યુવાનોને જણાવ્યું હતું.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલા આ ભરતી મેળામાં મહેસાણાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી વી.એસ. પાંડોર સહિતના અધિકારીઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR