
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં 10 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 24 સપ્ટેમ્બરના રોજ સવારે 10થી 10:30 દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં 1,550થી વધુ તાલીમાર્થીઓ, આચાર્યો, લેક્ચરર, ઇન્સ્ટ્રક્ટર અને સ્ટાફ જોડાયા હતા.
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, મહેસાણાના સંકલન હેઠળ વિસનગર, મહેસાણા, કડી, ઊંઝા, જોટાણા મહિલા, બેચરાજી, વિજાપુર, વડનગર, ખેરાલુ અને સતલાસણા ITIમાં એકસાથે માર્ગ સલામતી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
પ્રતિજ્ઞા દરમિયાન વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ ઓવર સ્પીડિંગથી દૂર રહેવા અંગે સંકલ્પ લેવાયો હતો. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવા અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે પણ તાલીમાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનો હેતુ ખાસ કરીને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો અને સુરક્ષિત માર્ગ વ્યવહાર અંગે સંદેશ પહોંચાડવાનો હતો. ITIના તાલીમાર્થીઓ મારફતે માર્ગ સલામતીનો સંદેશ તેમના પરિવાર અને આસપાસના લોકો સુધી પહોંચે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR