
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ખેરાલુના વરેઠા નજીક આજે બપોરે અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત થયું હતું. ભાટવાસ ગામના 46 વર્ષીય લાલાજી ગોવાજી ઠાકોર બાઈક નંબર GJ-02-ED-6763 પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અકસમાતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જોકે, લોકો પહોંચે તે પહેલાં જ લાલાજી ઠાકોરનું મોત થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ પરિવારજનો અને સગા-સંબંધીઓને કરવામાં આવતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
લાલાજી ઠાકોર રસોઈયા તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતદેહને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે વડનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
ખેરાલુ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે. અકસ્માતમાં સંડોવાયેલા અજાણ્યા વાહનચાલક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR