
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન આયુર્વેદિક કોલેજમાં 8થી 23 સપ્ટેમ્બર દરમિયાન 11મા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ‘આયુર્વેદ ફોર હેલ્ધિયર ટુમોરો’ થીમ હેઠળ 27 વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 3,872થી વધુ લોકો જોડાયા હતા.
ઉજવણી અંતર્ગત વૃક્ષાયુર્વેદ, આહાર અને ઋતુચર્યા જેવા વિષયો પર વ્યાખ્યાનો યોજાયા હતા. વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ક્વિઝ સ્પર્ધા ઉપરાંત આયુર્વેદ જાગૃતિ રેલી તથા શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજલક્ષી પ્રવૃત્તિઓના ભાગરૂપે આયુર્વેદિક આરોગ્ય તપાસ, સુવર્ણપ્રાશન અને પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ યોજાયા હતા. સુવર્ણપ્રાશનનો 2,193 લોકોએ લાભ લીધો હતો, જ્યારે પ્રકૃતિ પરીક્ષણમાં 200 લોકો જોડાયા હતા.
નૂતન આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ડાયાબિટીસ, હાયપરટેન્શન અને મહિલા આરોગ્ય અંગે દર્દીઓ માટે જાગૃતિ વ્યાખ્યાનો યોજાયા હતા. આયુર્વેદનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને રોગપ્રતિકારક શક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR