
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગરની સી.સી. મહિલા આર્ટ્સ અને સી.એન. કોમર્સ કોલેજ ખાતે 29 સપ્ટેમ્બર, 2026ના રોજ સાયબર સિક્યુરિટી અને મેન્ટલ હેલ્થ અંગે વ્યાખ્યાન યોજાયું હતું. પ્રિન્સિપાલ ડો. એમ.એફ. પટેલના માર્ગદર્શન હેઠળ IQAC, સાયબર સિક્યુરિટી, NTF, NSS અને CWDC દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોડાસા લૉ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અશોકભાઈ શ્રોફ મુખ્ય વક્તા રહ્યા હતા.
વ્યાખ્યાન દરમિયાન ડો. શ્રોફે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર, મોબાઈલ, નેટવર્ક, ડેટા અને ઓનલાઈન એકાઉન્ટ્સને હેકિંગ, વાયરસ અને ઓનલાઈન ફ્રોડ જેવા સાયબર જોખમોથી સુરક્ષિત રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઓનલાઈન વ્યવહારો અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ સાથે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, અભ્યાસ દરમિયાન જોવા મળતી સામાન્ય માનસિક સમસ્યાઓ તથા તેના નિવારણ અને જાળવણીના ઉપાયો અંગે પણ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ અંગે યોગ્ય સમયે વાતચીત કરવા અને જરૂરી માર્ગદર્શન મેળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડો. આશાબેન આર. ચૌધરીએ કર્યું હતું. પ્રિન્સિપાલ ડો. એમ.એફ. પટેલે ડો. શ્રોફનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, જ્યારે પ્રા. જે.જી. મેતિયાએ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. પ્રસંગે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR