
સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં બાંધકામ ધરાશાયી થવાની બે અલગ ઘટનાઓ સામે આવી છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મંગલપુષ્પ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના એક ફ્લેટમાં બેડરૂમની છતનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. ઘટનાના સમયે પરિવારના પાંચ સભ્યો અન્ય રૂમમાં હોવાથી તમામનો બચાવ થયો હતો. બનાવની જાણ મળ્યા બાદ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાટમાળ હટાવી તપાસ હાથ ધરી હતી.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ ઘટનાની જાણ આશરે ત્રણ કલાક બાદ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ફાયર જવાનોએ સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સ્લેબ કયા કારણોસર ધરાશાયી થઈ અને ફ્લેટની હાલત હાલમાં જોખમી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યો સુરક્ષિત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
બીજી તરફ ગોપીપુરા વિસ્તારમાં મસ્જિદ નજીક આવેલા જૂના જર્જરિત મકાનની ગ્રાઉન્ડ ફ્લોરની દીવાલનો એક મોટો ભાગ રસ્તા પર તૂટી પડ્યો હતો. કાટમાળ રસ્તા પર આવી જતાં થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી કાટમાળ દૂર કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને કરવામાં આવી છે અને મકાનના બાકી રહેલા જોખમી ભાગ અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે