



વાપી,29 સપ્ટેમ્બર (હિ.સ.) વાપીના છરવાડા સ્ટ્રીટ સ્થિત સાંઈ સંસ્કાર બિલ્ડિંગમાં મંગળવારે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક વ્યક્તિએ પોતાની પત્ની પર કથિત રીતે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાની ઓળખ સીમા તરીકે થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે આરોપી પતિનું નામ પરેશ કટારિયા હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ આરોપી પતિ પરેશ કટારિયા સ્થળ પરથી નીકળી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન આસપાસના લોકોએ તેને પકડી પાડીને પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સાંઈ સંસ્કાર બિલ્ડિંગ ખાતે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની સાથે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની રેકોર્ડિંગની તપાસ શરૂ કરી છે. પોલીસે CCTVનું DVR પણ કબજે કર્યું હોવાનું જાણવા મળે છે. ઘટના પહેલાં અને બાદની સમગ્ર હિલચાલ અંગેની રેકોર્ડિંગની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં મહિલાના મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પારિવારિક વિવાદ, બોલાચાલી કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ અને સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha