
અમદાવાદ,29 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદના નારોલ વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના બાળકનું મોત થયું છે. નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં રહેતો અંશુ સ્કૂલથી ઘરેથી પરત ફર્યા બાદ ટ્યૂશન ક્લાસમાં જતી વખતે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો તે સમયે લિફ્ટમાં ફસાઈ જવાથી 14 વર્ષના અંશુ ભગેલનું નીપજ્યું છે.
અંશુ ભગલે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલથી ઘરે આવીને બેગ મૂકી રંગોળીનગર ટ્યૂશન ક્લાસમાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે અંશુનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.
આ કરૂણ ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. ઘણા સમયથી લિફ્ટ ખરાબ હોવાની રજૂઆત કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન કરતાં આ દુર્ઘટના બની હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
મૃતક બાળકના કાકા અંકિત ભગેલે જણાવ્યું હતું કે, અહીં બિલ્ડરની કમી છે. અહીં લિફ્ટ ચાલુ-ખરાબ થયા છે તો કોઈની જવાબદારી નથી. મારો ભત્રીજો હતો. તેના પિતા બહાર ગયા છે જ્યાં સુધી તેના પિતા નહીં આવે ત્યાં સુધી અમે બોડીને બહાર નહીં જવા દઇએ.
પોલીસવાળા કહે છે પીએમ કરાવવા માટે જવા દો. ત્યાર પછી એફઆઇર અને કેસ વગેરે કરો. બિલ્ડરની સામે જ ઓફિસ છે. આ ઘટનાની તેને ખબર પડી તો તે ઓફિસ છોડીને કેમ જતો રહ્યો છે. તેમની કોઈ જવાબદારી છે કે નહીં.
વધુમાં જણાવ્યું હતું કે, આ લિફ્ટ દરરોજ, દર અઠવાડિયે ખરાબ થયા છે. તમે ઉપર જઈને જુઓ કેવી રીતે છે. મને ખબર નથી કે રમવા જતો હતો કે નહીં. હું ગાંધીનગરમાં ગાડી ચલાવતો હતો. મને મારી વાઈફનો ફોન આવ્યો તમે ફટાફટ ઘરે આવી જાઓ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ