
- રસાયણમુક્ત ખેતી તરફ ડગ માંડતા સાણંદના ખેડૂતોને જીવામૃતના લાઈવ ડેમો સાથે માર્ગદર્શન પૂરું પડાયું
અમદાવાદ,29 સપ્ટેમ્બર (હિ.સ.) સાણંદ તાલુકાના હઠીપુર ગામ ખાતે તેમજ ચરલ ગામ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોશ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બંને ગામોના સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામ એસ વાઘેલા, ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર ભાવિક મિસ્ત્રી, સી.આર.પી. ગોવિંદભાઈ તેમજ ચરલ ગામના સરપંચ દયારામ એમ.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા કાશીરામ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા પદ્ધતિ અંગે ખેડૂતોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ ગ્રામજનો પોતાના ઘરઆંગણે તાજા અને રસાયણમુક્ત શાકભાજી મેળવી શકે તે હેતુથી કિચન ગાર્ડનિંગ વિશે પણ વિશેષ સમજ આપી હતી.
તાલીમના અંતિમ ચરણમાં ખેડૂતો સમક્ષ જીવામૃત બનાવવાનો લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પ્રત્યક્ષ રીતે પદ્ધતિ સમજી શકે. ત્યારબાદ ઉપસ્થિત ખેડૂતોના પ્રાકૃતિક ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોનું નિષ્ણાતો દ્વારા સંતોષકારક સમાધાન કરી તાલીમ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ