
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં આગામી કારતકનો મેળો સરસ્વતી નદીના પટમાં જ યોજવામાં આવે તેવી માંગ કોંગ્રેસના નગરપાલિકા સભ્ય આમીરખાન ઐયુબખાન પઠાણે કરી છે. હાલમાં નદી વિસ્તારમાં રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી મેળાના આયોજન સ્થળને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ છે. વર્ષોથી યોજાતા આ ધાર્મિક મેળામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી યોગ્ય આયોજન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
આમીરખાન પઠાણે જણાવ્યું કે સિદ્ધપુર ઐતિહાસિક અને પવિત્ર ધાર્મિક નગરી છે અને કારતકનો મેળો અહીંની વર્ષો જૂની પરંપરા તથા આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. વિકાસના કામો જરૂરી છે, પરંતુ તેની સાથે ધાર્મિક પરંપરા અને લોકોની લાગણીનું પણ જતન થવું જોઈએ. નદી કિનારે આવેલા પવિત્ર ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેળો નદીના પટમાં જ યોજવો યોગ્ય રહેશે.
તેમણે વહીવટી તંત્રને મેળા માટે સ્થળ અને વૈકલ્પિક વ્યવસ્થાનું અગાઉથી આયોજન કરવા તેમજ પાર્કિંગ, ટ્રાફિક, સફાઈ, પીવાનું પાણી, લાઇટિંગ, સુરક્ષા અને મુસાફરોની અવરજવર સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સમયસર નિર્ણય લેવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ