

પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન સમગ્ર શહેરમાં ‘જય કનૈયાલાલ કી’ના જયઘોષથી ભક્તિમય માહોલ છવાયો હતો.
જન્માષ્ટમીના પવિત્ર પર્વે પુત્ર જન્મની ખુશી તેમજ બાધા-માનતા પૂર્ણ થતાં અનેક પરિવારોએ માટીની ‘હરખના કાનુડા’ની મૂર્તિ ઘરે લાવી હતી. કાનુડાને પાટલા પર પધરાવી પરિવારજનો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહિલાઓએ ભજન, કીર્તન અને ગરબા સાથે કાનુડાની આરાધના કરી હતી.
શનિવારે શ્રાવણ વદ નોમના દિવસે ‘હરખના કાનુડા’ની મૂર્તિઓને વાજતે-ગાજતે જળાશયો તરફ લઈ જવાઈ હતી. મહિલાઓએ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના નાદ સાથે કાનુડાને માથા પર ધારણ કર્યા હતા. ત્યારબાદ ટ્રેક્ટર અને ટ્રક મારફતે વિવિધ જળાશયોમાં મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પરિવારજનો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ