
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા વિસ્તારમાં આવેલા સાનિધ્ય બંગલોઝમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટી પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પૂજા-અર્ચના અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સ્થાનિક રહીશો તેમજ આસપાસના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓ, બાળકો સહિત પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી પ્રાર્થના કરી હતી. સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારોએ સાથે મળીને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી એકબીજાને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના જયઘોષથી સોસાયટી પરિસર ગૂંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિઓ અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ શ્રદ્ધા અને આનંદ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ