
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની ઘનશ્યામ સોસાયટીમાં સિંધી સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવ દરમિયાન રાસ-ગરબા, મટકી ફોડ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકીએ પણ રાસ-ગરબા, મટકી ફોડ તથા મહાઆરતીમાં ભાગ લીધો હતો. નગરપાલિકા સદસ્યો સંજય શુક્લ, તન્વી દવે અને કશિષ ક્રિપલાની પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સિંધી સમાજના આગેવાનો નંદુકાકા, સુંદરદાસ, તારાચંદ તેમજ આયોજક સમિતિના સભ્યો અને સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મટકી ફોડ અને રાસ-ગરબામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર પરિસર શ્રીકૃષ્ણના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું અને ભક્તોએ મહાઆરતી તથા દર્શનનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ