રાજપીપળા/અમદાવાદ,01 ઓકટોબર (હિ.સ.) ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા પહોંચીને 12.39 વાગ્યે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરનાં વધામણાં કર્યાં હતાં. બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા-આરતી કરી હતી.
આ વર્ષે ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને સુધીમાં કુલ 77 લાખ 39 હજાર 786 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફત 40,930 ક્યૂસેક પાણીની જાવક છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ