ભરૂચ/અમદાવાદ,29 ઓકટોબર (હિ.સ.) દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તેરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કલેકટર કચેરી ખાતેથી એકતા દોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. એકતા દોડ કલેકટર કચેરીથી પ્રસ્થાન કરી શકિતનાથ સર્કલ થઇ માતરીયા તળાવ અને પરત શકિતનાથ સર્કલ થઇ કલેકટર કચેરી પૂર્ણ થઇ હતી.
આ દોડમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતાં.ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત સર્વેએ ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર યાત્રાનો માર્ગ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠયો હતો.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જંયતિ પૂર્વે ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્રની આગેવાનીમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. ત્યારે સરદાર પટેલના આ સંકલ્પને સાકાર કરવા અને દેશની અખંડીતાને કાયમ રાખવાના દ્રઢ નિર્ધાર સાથે એકતા દોડનું આયોજન કરાયું હતુ.જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આ અવસરે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં જીલ્લા કક્ષાના રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. દેશની એકતાની શપથ અને ફિટનેસ બંન્નેની થીમ સાથે થતી રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ