વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.) મહાત્મા ગાંધીજીએ 1920માં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વર્ષ 2009થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી મહામહિમ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠના ધ્યેય અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈ આ વર્ષે ત્રણ દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ મળી વર્ષ 1843 પદયાત્રીઓની 151 ટુકડી દ્વારા ગુજરાતનાં 1800 જેટલા ગામડાઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલ દ્વારા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની કામગીરી લોકભાગીદારી સાથે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવે છે. જેના પરિણામે ગુજરાતમાં 10 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે. વલસાડ જિલ્લામાં ગુજરાત વિદ્યાપીઠના વિવિધ વિષયોમાં પી.એચડી. કરતાં પદયાત્રીઓની ટુકડીઓ સાથે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉ. કાળુ ડાંગર સહભાગી થયા હતા. પદયાત્રી ટીમ સાથે ચણવઈ ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગામના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતિ અને પ્રશ્નોના સંદર્ભમાં ધરતીમાતા અને માનવીય તંદુરસ્તી, પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો, પાક સંરક્ષણના ઉપાયો મીટિંગ, રેલી, પ્રદર્શન અને સભા જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે