છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) બોડેલી તાલુકાના જબુગામના 20 વર્ષિય યુવા સામાજિક કાર્યકર અને સરપંચના પુત્ર સિધ્ધેશ દિલીપભાઈ રાઠવાને અચાનક પેટમાં દુખતા પરિવારજનો બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જબુગામની મધ્યમાં આવેલ ઐતિહાસિક વાવોની સાફસફાઇ અને મરામતની કામગીરી કરાવી ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. ત્યારે જબુગામના મહિલા સરપંચ માતા અને પંચાયત સદસ્ય પિતા સાથે ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા યુવાન પુત્ર સિધ્ધેશને અચાનક પેટમાં દુખતાં વહેલી સવારે પરિવારજનો બોડેલીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને તેણે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ હતી. સરપંચ પુત્રની સ્મશાન યાત્રામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ભાજપના રણજીતસિંહ રાઠવા સહિત આજુબાજુના ગામના સરપંચો સહિત ગ્રામજનો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ