સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) સુરત ખાતે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી. અઠવાલાઈન્સની મેરિયોટ હોટેલ ખાતે આયોજિત કોન્ફરન્સમાં વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે. ક્લાઈમેટ ચેન્જ એ મંથર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે. ક્લાઈમેટ સામે લડવું એ આપણી અંગત નહી, પણ સામુહિક જવાબદારી છે. જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો રહ્યો છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર એશિયામાં ક્લાઈમેન્ટ ચેન્જ સામેની લડાઈના અભિયાનની સૌ પ્રથમ ગુજરાતથી પ્રાંરભ કર્યો હતો. વર્ષ 2009થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ ચેન્જ વિશે સમગ્ર વિશ્વને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. વર્ષ 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવા અને આ સંકલ્પને સાકાર કરવા 2030 સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી 500 ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના 50 ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે એમ મંત્રીએ જણાવ્યું હતું.
પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, 2030 સુધીમાં એક મિલિયન કાર્બન એમિશન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે મિશન ગ્રીન હાઈડ્રોજન હેઠળ વર્ષ 2030 સુધીમાં ભારતમાં વાર્ષિક પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય છે જેમાં ગુજરાત રાજ્ય મહત્તમ યોગદાન આપશે અન ગુજરાતે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 3 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે,
વન મંત્રી એ કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં આપણે બીજા સ્થાને પહોંચ્યા છીએ. સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત રાજ્ય 16 ટકા હિસ્સો ધરાવે છે. દક્ષિણ ગુજરાત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનું હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ વર્ષ 2030 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન સાથે કેન્દ્ર સરકારના ક્લિન એનર્જી મિશનને વેગ આપવા રિન્યુએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝ એ એક સૂર વ્યક્ત કર્યો છે તે સરાહનિય છે.
વડાપ્રધાનનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવા માટે સજ્જ છે. સરકારે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાને દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે. ગુજરાત રાજ્ય દેશભરમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે અગ્રીમ છે એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, નવી નવી ટેક્નોલોજી થકી રિસાયકલ કચરાનો ઉપયોગ કરીને તેમજ કોમન બોઈલર ફેસિલિટીથી કાર્બન એમિશન ઘટાડવામાં મદદ રૂપ થઈ રહ્યું છે. નેટ ઝીરો માટે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પૂરતું નથી પણ સાથે પ્લાસ્ટિક અને પાણીનો વપરાશ પણ ઘટાડવો પડશે એમ તેમણે કહ્યું હતું.
આવનાર સમયમાં વિશ્વની સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશે અને કોઈ પણ નવી શરૂઆત માટે રોલ મોડલ ગુજરાતથી થાય છે. રિન્યુએબલ એનર્જી થકી આવનાર સમયમાં નવી રોજગારી સર્જન થશે. સાથે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, દેશનું પ્રથમ નેટ-ઝીરો સચિવાલયનું ઘર બનાવવાનું ગુજરાત રાજ્ય કામ કરી રહ્યું છે, જે રાજ્યના ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે જનભાગીદારી અતિ મહત્વપૂર્ણ છે. ઉદ્યોગો અને નાગરિકો બંનેને પ્રયત્નોથી ગુજરાતના ગ્રીન ટ્રાન્ઝિશન અને ક્લાઈમેટ એક્શન પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા માટે હાજર સૌને આહ્વાન કર્યું હતું.
પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા Wind Power – Unlocking india’s Wind energy potential, Solar Power – Scaling Solar Energy for sustainable Growth અને hydrogen – the next frontier in Clean Energy જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. આ સાથે રિન્યુએબલ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓએ પોતાનું વિઝન અને લક્ષ્ય સૌને માહિતગાર કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે