સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) લેખક, પત્રકાર, ઈતિહાસકર અને પૂર્વ RTI કમિશ્નર અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરે સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે આવતીકાલ .22મીના રોજ સવારે 10:30 વાગે વીર નર્મદ દ.ગુ.યુનિ. ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સમર્પિત આઠ પ્રતિભાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. પુરસ્કારની સાથે રૂ.1 લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્નનો એનાયત કરાશે.
તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં વિવિધ માધ્યમો દ્વારા વિકૃતિનું જ્યાં આંધળુ અનુકરણ થઈ રહ્યું છે ત્યાં સમાજને જાગ્રત કરીને સમાજની દિશાને શ્રેષ્ઠતા તરફ વાળવી ખૂબ જરૂરી છે. પોતાની વૃત્તિ પ્રવૃત્તિઓથી સદાચાર, શીલ અને સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાએ સમયની માંગ છે. ભારત આજે વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે. વૈજ્ઞાનિક પ્રગતિ, સંરક્ષણ ક્ષેત્ર અને ટેકનોલોજીમાં આપણે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છીએ. આ ઝડપી પ્રગતિના યુગમાં, આપણી સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોનું જતન કરવું એ આપણી ફરજ છે.આપણી સંસ્કૃતિ આપણી ઓળખ છે, આપણા વારસાનો પાયો છે. આજના યુગમાં, જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે અને આપણી યુવા
પેઢી ભૌતિકવાદ તરફ આકર્ષાઈ રહી છે, ત્યારે આપણી સંસ્કૃતિના મૂળિયા મજબૂત રાખવા અને તેનું સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે. આપણી સંસ્કૃતિ આપણને શીસ્ત, સદાચાર, સહિષ્ણુતા અને સમન્વય જેવા ગુણો શીખવે છે. આ ગુણો આપણા સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વધુમાં કહ્યું કે, આપણી સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત અનેક વિરલ પ્રતિભાઓ આપણા સમાજમાં કાર્યરત છે. આ પ્રતિભાઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરીને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે. આવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું અને તેમના કાર્યને બિરદાવવું એ આપણા સૌની ફરજ છે.
ભારત દેશની પવિત્ર માટીની આભાથી દરેક સમયમાં આ ભૂમિ પર જાણ્યા અજાણ્યા એવા લોકો સક્રિય હોય જ છે જે સદા સંસ્કૃતિના જતન માટે તત્પર હોય. સાથે સમાજની પણ જવાબદારી છે કે આવા સંસ્કૃતિ જતનના યોદ્ધાઓને ઓળખીને સન્માનિત કરવાએ સૌની જવાબદારી છે. અનેક લોકોને પ્રેરણા મળી રહે તે હેતુના ભાગરૂપે ગુજરાતના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ના વઙપણ હેઠળ સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેરણાથી ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના દીર્ઘદ્રષ્ટિ સભર નેતૃત્વમાં ગુજરાતમાં સંસ્કૃતિ અને પરંપરાઓનું સંવર્ધન કરવાની દિશામાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ગયા વર્ષે અમદાવાદના ટાગોર હોલમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહમાં આઠ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવી હતી. આ વર્ષે આ સમારોહ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે.
વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના યુવાઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના ચિંતન-મનનને નવી દિશા આપવા માટે રાજ્યભરમાં વિશાળ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 600 કોલેજોના 5500 યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ જેવા વિષયો પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે