-વાણિજ્ય મંત્રાલય એફટીએ પર મંત્રણા ફરી શરૂ કરવાનું સ્વાગત કર્યું
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારત અને બ્રિટન વચ્ચે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર વાતચીત નવા વર્ષ 2025માં ફરી શરૂ થશે. બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત જી-20 સમિટ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન સર કીર સ્ટારમર વચ્ચેની મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે. મંત્રાલયે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર વાટાઘાટો ફરી શરૂ કરવાની બ્રિટિશ વડા પ્રધાન સર કીર સ્ટારમરની જાહેરાતને આવકારી છે. મંત્રાલયે કહ્યું કે, 2025ની શરૂઆતમાં એફટીએ પર વાટાઘાટો માટેની તારીખો ટૂંક સમયમાં રાજદ્વારી માધ્યમો દ્વારા નક્કી કરવામાં આવશે.
બ્રિટિશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન સર કીર સ્ટારમરે જાહેરાત કરી છે કે, નવા વર્ષમાં બ્રિટન-ભારત વેપાર વાટાઘાટો ફરી શરૂ થશે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત એફટીએ માટેની વાટાઘાટો જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી. બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીમાં 14 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જો કે, ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ ઉકેલવાના બાકી છે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એફટીએ વાટાઘાટો અગાઉ હાંસલ કરેલી પ્રગતિ પર ચર્ચાના નિર્માણને ફરીથી શરૂ કરશે અને વેપાર સોદાને ઝડપથી પૂર્ણ કરવા માટેના અંતરને દૂર કરવાનો પ્રયાસ કરશે. બ્રિટન સાથે ભારતના વેપાર સંબંધો સતત વધી રહ્યા છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2024ના તાજેતરના ડેટા અનુસાર, ભારતથી બ્રિટનમાં નિકાસ 12.38 ટકા વધી છે, જે વર્ષ 2023ના સમાન સમયગાળામાં 6.51 અબજ ડોલરની સરખામણીએ 7.32 અબજ ડોલર સુધી પહોંચી છે. ભારત માટે, બ્રિટન નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં એક ટ્રિલિયન ડૉલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, પ્રાથમિકતા ધરાવતો દેશ છે, જે 2029-30 સુધીમાં 30 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ