કાઠમંડુ, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.) નેપાળની સુપ્રીમ કોર્ટે જનયુદ્ધ શબ્દને ગેરબંધારણીય જાહેર કર્યો છે અને તેને સરકારી રેકોર્ડ અને દસ્તાવેજોમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.
નેપાળમાં માઓવાદીઓ તેમના 10 વર્ષના સશસ્ત્ર સંઘર્ષના સમયગાળાને જનયુદ્ધ કહે છે. સત્તામાં રહીને તેમણે, બજેટ સહિત અન્ય સરકારી કામોમાં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રકાશમાન સિંહ રાઉતની આગેવાની હેઠળની સાત જજોની બંધારણીય બેન્ચે, પોતાના નિર્ણયમાં જનયુદ્ધ શબ્દને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. તેમજ અત્યાર સુધી જે સરકારી રેકર્ડ અને દસ્તાવેજોમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે તમામ રેકોર્ડમાંથી આ શબ્દ હટાવવાનો આદેશ આપ્યો છે.
બંધારણીય બેંચે નિર્ણયમાં કહ્યું કે, નેપાળનું બંધારણ જનયુદ્ધ શબ્દને સ્વીકારતું નથી. તેથી સરકારી બજેટ ભાષણ કે અન્ય દસ્તાવેજોમાં આ શબ્દનો ઉપયોગ માન્ય રાખી શકાય નહીં. જનયુદ્ધ શબ્દનો ઉપયોગ નેપાળના બંધારણની પ્રસ્તાવનાની વિરુદ્ધ છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે અગાઉ માઓવાદી સરકાર દ્વારા જનયુદ્ધ દિવસ પર જાહેર કરાયેલી જાહેર રજા પર પ્રતિબંધ મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ