મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના સહાયથી સુરતના ગૌશાળા સંચાલકો વંચિત
સુરત,28 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટરના વહીવટી તંત્રના જડ વલણને કારણે સુરત જિલ્લામાં આવેલ ગૌશાળા – પાં
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના સહાયથી સુરતના ગૌશાળા સંચાલકો વંચિત


સુરત,28 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટરના વહીવટી તંત્રના જડ વલણને કારણે સુરત જિલ્લામાં આવેલ ગૌશાળા – પાંજરાપોળના સંચાલકોને આર્થિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ આર્થિક સહાયની ચુકવણી હજી સુધી વહીવટી તંત્ર દ્વારા ન કરવામાં આવતાં આજે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આગેવાનો દ્વારા આ સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને વહેલી તકે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજ્યભરમાં ગૌશાળા અને પાંજરાપોળનું સંચાલન કરતી સંસ્થાઓ માટે 425 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. જો કે, એક વર્ષ અગાઉ ગૌશાળા અને પાંજરાપોળ માટે જમીન માલિકીના નિયમની ગુંચને પગલે ભારે હોબાળો થયો હતો. અલબત્ત, ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ નિયમનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે અને જમીન માલિકીના પુરાવા ન હોય તો પણ ગૌ માતાની સેવા કરતી સંસ્થાઓને આર્થિક સહાયની ચુકવણી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ અંગે સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જો કે, સુરતમાં હજી સુધી આ અંગે વહીવટી તંત્ર દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. રાજ્ય સરકારના સ્પષ્ટ આદેશ છતાં જિલ્લા કલેકટરનું વહીવટી તંત્ર જડ વલણ અપનાવી રહ્યું હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે.

જેને પગલે આજરોજ શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને સને 2023-24 માટે ગૌમાતા પોષણ યોજના માટે સુરત જિલ્લાની સંસ્થાઓને આર્થિક સહાયની ચુકવણી માટે રજુઆત કરવામાં આવી હતી. સંસ્થાના મહામંત્રી છત્રસિંહ ખેર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગૌશાળાની જમીન માલિકીના કોઈપણ પ્રકારના વાંધા વિના મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચુકવવામાં આવી રહી છે. જ્યારે માત્ર સુરત જિલ્લામાં જ આ અંગે સહાય ચુકવણીમાં અખાડા કરવામાં આવી રહ્યા છે. જેને કારણે ગૌમાતાનું પાલન – પોષણ કરતી સંસ્થાઓની આર્થિક હાલત કફોડી થવા પામી છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળનું સંચાલન કરતી સંસ્થાઓ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની બે વર્ષ પૂર્વે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક સંસ્થાને એક ગાય દીઠ દરરોજના 30 રૂપિયા લેખે સહાયની ચુકવણી કરવામાં આવતી હોય છે. જો કે, સંસ્થાઓ દ્વારા પ્રત્યેક ગાય પાછળ પ્રતિદિન 60થી 70 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. આમ છતાં, સરકાર દ્વારા 50 ટકા સુધીની સહાય કરવામાં આવતાં સંસ્થાઓને ભારે રાહત મળતી હોય છે. બીજી તરફ આ સંસ્થાઓમાં મોટા ભાગે તરછોડવામાં આવેલા ગૌવંશનો સમાવેશ થતો હોવાને કારણે તેમના દવા પાછળ પણ સારો એવો ખર્ચ થતો હોય છે.

સુરત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગૌસેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગ કરવામાં આવતી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. અલબત્ત, ગત વર્ષે ગૌશાળાના સંચાલકો પાસે જમીન માલિકીના પુરાવાનો નિયમ લાગુ થતાં ભારે વિવાદ સર્જાયો હતો. અલબત્ત, રાજ્યભરના ગૌશાળા સંચાલકો દ્વારા આ અંગે રજુઆત કરવામાં આવતાં રાજ્ય સરકારે આ વર્ષે આ નિયમ રદ્દબાતલ કરવાની જાહેરાત કરી દીધી હતી. જો કે, સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હજી પણ આ નિયમને ધ્યાને રાખીને જિલ્લાની આશરે 22થી વધુ સંસ્થાઓને આર્થિક સહાયનું વિતરણ કર્યું નથી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande