પ્રાકૃતિક ખેતીથી થતાં શાકભાજીનો, મૂળ સ્વાદ જળવાઈ રહે છે : ખેડૂત મયુર પટેલ
- વડોદરા જિલ્લાના દશરથ ગામના મયુર પટેલ પ્રાકૃતિક કૃષિ થકી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે વડોદર
Organically grown vegetables retain their original taste Farmer Mayur Patel


- વડોદરા જિલ્લાના દશરથ ગામના મયુર પટેલ પ્રાકૃતિક કૃષિ થકી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે

વડોદરા/અમદાવાદ,29 માર્ચ (હિ.સ.) શાકભાજી અને ફળો એ આપણા રોજિંદા જીવનનો મુખ્ય આહાર છે, જેના વગર દિવસ પૂરો થતો નથી. બજારમાં આપણને શાકભાજી-ફળોનો ઢગલો જોવા મળે છે, પરંતુ ઝેરમુક્ત ખેતીથી ઉત્પાદિત થતા શાકભાજી અને ફળોની વાત જ અલગ હોય છે. એમાં પણ ઔષધીય વનસ્પતિ કે ફળોમાંય વિવિધતા જોવી હોય તો વડોદરા જિલ્લાના દશરથ ગામના મયુર પટેલના ફાર્મની મુલાકાત લેવી પડે.

વડોદરા જિલ્લાના દશરથ ગામના 31 વર્ષીય ખેડૂત મયુઈ પટેલના ખેતરમાં પગ મૂકતા જ આપણને લીંબુની સુગંધ પોતાની તરફ આકર્ષતી હોય તેવા આંતરિક આનંદની અનુભૂતિ થાય. પ્રાકૃતિક ખેતીની ખરી વ્યાખ્યા તો જાણે અહીં ચરિતાર્થ થતી જોવા મળે છે. અહીંના શાકભાજીમાં એટલી વિવિધતા કે આપણને વિસ્મય પમાડે એવી, જાણે ક્યારેય એવુ વિચાર્યું ન હોય..!

આત્મા પ્રોજેક્ટની મદદથી આ ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે લીંબુ,સરગવો,તુવેર, રીંગણ,મરચાં તેમજ પાલક જેવા અલગ શાકભાજીનો સમાવેશ થાય છે. પ્રગતિશીલ ખેડૂત મયુર પટેલ કહે છે કે, ‘અમે શાકભાજી લીંબુ તેમજ સરગવાને છોડીને બીજી શાકભાજીનો ઉપયોગ મોટાભાગે અમારા ઘર વપરાશ માટે જ કરીએ છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવા પાછળનો મૂળ હેતુ અમારો એ જ છે કે,આપણા બાળકોને શુદ્ધ અને રસાયણમુક્ત ખાવાનું મળી રહે. જેથી કરીને પહેલા જેવો મૂળ સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે. જો દેશી ખાતરથી મૂળ સ્વાદ, સ્વાસ્થ્ય અને પાક મળતો હોય તો પછી રસાયણની જરૂર જ નથી રહેતી.’

કુલ આઠ વીઘા જમીનમાં શાકભાજી ખેતી કરીને મયુર પટેલ દર મહિને સરળતાથી પહેલાં કરતાં સારી આવક મળી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અહીં શાકભાજીનો ભાવ સામાન્ય વ્યક્તિઓને પોષાય તેવો હોય છે. જેથી કરીને મધ્યમ વર્ગીય લોકોમાં પણ તેની માંગ વધી છે સાથે જ આજુબાજુના ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી તરફ પગલું માંડી રહ્યા છે. જે સકારાત્મક પહેલ ગણી શકાય. મધુમાખીઓ, પતંગિયાઓ અને અલગ અલગ પક્ષીઓએ અહીં પોતાનાં ઘર કર્યા છે જેથી ત્યાં પગ મુકતાં જ પક્ષીઓનો કલરવ આપણને જાણે આવકારવા ચીચીયારીઓ કરી મૂકે છે. મયુરભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા સાથે પોતાનાં સંતાનો સહિત અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande