પાંચ રિડરો દ્વારા બે વર્ષથી રિડિંગ લઇને સામાન્ય બીલ અપાતુ, રિડર બદલાતાં કૌભાંડનો પર્દાફાશ
40 કિલોવોટના જોડાણમાં રોજનું માત્ર 10થી 12 યુનિટનો વપરાશ : તપાસમાં 1.5 લાખ યુનિટ પેન્ડિંગ નિકળ્યાં
ભૂતકાળમાં ડીજીવીસીએલની કચેરીઓમાં 100થી 1000 રૂપિયાની ભુલોમાં કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે
ભરૂચ,01 ઓગસ્ટ (હિ.સ.) ભરૂચ સર્કલ ઓફિસના તાબા હેઠળ આવેલા અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડિવિઝનના ટાઉન ડિવિઝનના વીજ ગ્રાહક સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટર, સિદ્ધેશ્વર ડેવલપર્સ અને વિજય એલ. સોડવડિયા નામના ત્રણ ગ્રાહકના કોમન મીટર છે. પરંતુ આ ત્રણ કોમન ગ્રાહકોના 40 કિલોવોટના વીજ જોડાણમાં એવરેજ રોજનું 10થી 12 યુનિટનું જ રિડિંગ છેલ્લા બે વર્ષથી લીધુ હોવાના કૌભાંડનો પર્દફાશ થયો હતો. પાંચ જેટલા રિડરો દ્વારા લેવામાં આવતાં વીજ રિડિંગને ઓછુ બતાવી સામાન્ય બીલ આપવામાં આવતુ હતુ. દરમિયાન લતાબેન નામના મીટર રિડરે આંકડો જોયો અને તેમને શંકા જતાં તપાસમાં ચોંકાવાનારી માહિતી બહાર આવી હતી. જેમાં ગ્રાહકના મિટરમાંથી 1.5 લાખ યુનિટ પેન્ડિંગ નિકળ્યા છે. જેનાથી વીજ કંપનીને 20 લાખનો ચુનો ચોપડ્યો હોવાનું કૌભાંડ બહાર આવ્યુ હતુ. જોકે સૌથી આશ્ચર્ય જનક વાતએ છે કે આ ઘટના બહાર આવ્યા બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઇપણ કાર્યવાહી કર્યા વગર માત્ર નોટિસ આપીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે. તો આ કૌભાંડની તપાસ થાય તો અનેક મોટા અધિકારીઓની સંડોવણી બહાર આવવાની સંભાવના છે.
અંક્લેશ્વરના ડિજીવીસીએલ કંપનીના અને ભરૂચ સર્કલ ઓફિસના તાબા હેઠળ આવેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝનના અંકલેશ્વર ટાઉન સબ ડિવિઝનના ગ્રાહક સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટર, સિદ્ધેશ્વર ડેવલોપર્સ અને વિજય.એલ.સોડવડિયા નામના ગ્રાહકના કોમન મીટરના વીજ ગ્રાહક નંબર 00604/05986/8 NRGP ટેરીફના 40 કિલોવોટના વીજ કનેક્શનના એવરેજ રોજના ફક્ત 10 થી 12 યુનિટ ફરતા હતા.આ મીટરનું રીડિંગ છેલ્લા બે વર્ષથી પાંચ જેટલા મીટર રીડરોએ રીડિંગ લીધું હતું પરંતુ દર મહિને ઓછું બતાવી સામાન્ય બિલ આપવામાં આવતું હતું.જ્યારે આ મીટરનું રીડિંગ લતાબેન નામની મીટર રીડરે આંકડા જોતા શંકા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગ્રાહકના મીટરમાંથી કુલ 1.5 લાખ યુનિટ પેન્ડિંગ નીકળ્યા છે. જેનાથી વીજકંપનીને 20 લાખ જેટલી માતબર રકમની નુકશાની થયેલ છે.
આટલી મોટી 20 લાખ રૂપિયાની ગેરરીતિ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ હોવા છતાં આ કર્મચારીઓ એક યુનિયનના સક્રિય સભ્યો ,હોદેદારો હોય કોઈ પગલાં ભરાયા નથી પણ ફક્ત શોકોઝ નોટીસ આપી ફાઈલ અભરાઇ પર ચઢાવી દેવાઇ છે. ત્યારે આમાં ભરૂચ સર્કલ અને ડિજીવીસીએલની વડી કચેરીના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત બાબતે શંકાના દાયરામાં આવી ગયા છે.
આ 1.5 લાખ યુનિટ ઓછા બતાવવાના 20 લાખના કૌભાંડમાં સબ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસએ સંદીપ વસાવા , વિભાગીય કચેરીના સુપરિટેન્ડન્ટ એકાઉન્ટ રેવન્યુ , વર્તુળ કચેરી ભરૂચના ડીવાયએસએ રેવન્યુ રીપ્પલ કોરલવાલાની પણ સંડોવાયેલા હોય જવાબદારી બને છે .
આવી ગંભીર ગેરરીતી હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન ઓફિસ અંકલેશ્વરના ડીવાયએસએ અથવા સુપરિટેન્ડન્ટ રેવન્યુ અને સર્કલના રેવન્યુ વિભાગના ડીવાયએસએ કે એસએ કે એઓ રેવન્યુએ કેમ આ કિસ્સામા કોઈ કર્મચારીઓને સસ્પેન્ડ ન કર્યા ? તે પણ તપાસનો વિષય છે.
આ સબ ડિવિઝન , ડિવિઝન અને સર્કલના રેવન્યુ અને એચ.આર વિભગના અધિકારીઓ એક જ યુનિયનના હોઇ ભીનું સંકેલાયુ હોવાની પણ ચર્ચા છે. ત્યારે આ કેસમાં વિજિલન્સ વિભાગના નાયબ અધિક્ષક પોલીસ અધિકારી કે તેની ઉપલી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે અને આમાં સંડોવાયેલા તમામ કર્મચારી અને અધિકારીઓ ઉપર અગાઉ થયેલ સખત કાર્યવાહી મુજબ કરવામાં આવે તેવી ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે તેમ સૂત્રો પાસેથી માહિતી મળેલ છે.
ભૂતકાળમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર જેવી કચેરીઓમાં સામાન્ય 100, 200, 500 કે 1000 રૂપિયાની ભુલોમાં કર્મચારી તપાસના પુરાવા નાશ ન કરે માટે ડિજીવીસીએલના મેનેજમેન્ટે જે તે કર્મચારીઓને સસ્પેન્ડ કરી તપાસ કરવામાં આવેલ હતી. સામાન્ય રકમની ગેરરીતિમાં વિદ્યુત સહાયકોને ટર્મિનેટ કરવામાં આવેલ હોવાના કિસ્સા છે.
આ બાબતે જનરલ મેનેજર ફાઇનાન્સ કોર્પોરેટ કચેરી સુરતના આર.આર.નાયરનો ટેલીફોનિક સંપર્ક કરતા અંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયા શોપિંગના મીટર રીડિંગ પેન્ડિંગ યુનિટ બાબતની ફરિયાદ નથી આવી. આ બાબતે હું કંઈ જાણતો નથી. તમે ભરૂચ અધિક્ષક ઇજનેરને પૂછો. જ્યારે ભરૂચના અધિક્ષક ઇજનેર ઉત્પલ ચૌધરીએ પણ મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. જે બાબતે હું ફાઈનાન્સમાં તપાસ કરાવી લઉં. આ બાબતે હું જાણતો નથી તેમ કહ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ / હર્ષ શાહ