સુરત,01 ઓગસ્ટ (હિ.સ.) ઘરની બહાર રસ્તા પર શ્વાન બાળકો પર હુમલા કરતા રહ્યાં છે, પરંતુ હવે તો ઘર, દુકાનોમાં પણ બાળકો સુરક્ષિત નથી. શહેરના ડિંડોલી વિસ્તારમાં પતરાંના શેડની દુકાનમાં ઘુસી શ્વાને સોફા પર સૂતેલા 6 વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો હોવાની સનસનીખેજ ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી પતરાંની શેડની દુકાનમાં 6 વર્ષનો માસૂમ બાળક સોફા પર સૂતેલો હતો. સફાઈ કર્મી મહિલા કામ કરતી હતી ત્યારે તેણીએ પોતાના દીકરાને સોફા પર સુવડાવ્યો હતો. પતરાંના શેડની દુકાનની અંદર સોફા પર શાંતિથી સૂતેલા બાળક કે તેની માતાને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે અંદર ઘુસીને શ્વાન તેની પર હુમલો કરશે. પરંતુ આ ઘટના બની છે.ખોરાકની શોધમાં એક શ્વાન દુકાનની અંદર પ્રવેશે છે. પહેલાં તે દુકાનમાં આમ તેમ આંટા મારે છે. ખોરાકની શોધ કરતો હોય તેવું લાગે છે, ત્યાર બાદ તે સોફા પાસે જાય છે અને સોફા પર સૂતેલા નાનકડા બાળકના માથા પર કરડે છે. બાળક તરત જ ઉઠી જાય છે અને શ્વાનનો પ્રતિકાર કરવા જાય છે ત્યારે બચકું ભરીને શ્વાન બાળકને સોફા પરથી નીચે પછાડી દે છે.
બાળક શ્વાનની પકડમાંથી છૂટવા પ્રયાસ કરે છે, પરંતુ તેને સફળતા મળતી નથી. દરમિયાન એક યુવક આવે છે અને શ્વાનને ભગાડી બાળકને બચાવી લે છે. આ ઘટનામાં બાળકને માથાના ભાગે શ્વાને બાચકાં ભર્યા હોવાના લીધે 15 ટાંકા આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / હર્ષ શાહ