સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં મેટ્રો ટ્રેન માટે સારોલી કડોદરા રોડ પર બની રહેલા બ્રિજના સ્પાનમાં ગઈ તા. 30મી જુલાઈના રોજ તિરાડ પડી હતી. ત્યાર બાદ સારોલી કડોદરાના તે મેટ્રો બ્રિજની નીચેનો ટ્રાફિક અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં શહેર પોલીસ દ્વારા શહેરના 7 જેટલાં ફલાય ઓવર અને નદી પરના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેના લીધે શહેર આખું બાનમાં મુકાયા જેવી સ્થિતિ ઉદ્દભવી છે. વાહનચાલકોએ લાંબો ચક્કર મારવો પડી રહ્યો છે, પરિણામે શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ સહિત સાત બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સરદાર બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવાઈ છે, તેના લીધે ભારે વાહનો ખાસ કરીને સ્કૂલ બસને લાંબા ચક્કર મારવા પડી રહ્યાં છે.
અઠવાથી અડાજણ તરફ જતી સ્કૂલ બસ સહિતના ભારે વાહનોએ એસવીએનાઇટી સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતી જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરીગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં પણ વાહનોને ડાયવરઝન આપવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / માધવી વ્યાસ