છોટાઉદેપુર,04 સપ્ટેમ્બર (હિ.સ.) પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં સમાજ સુરક્ષા કચેરી, છોટાઉદેપુર દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકારના નસામુક્ત ભારત અભિયાન હેઠળ આજરોજ આદિવાસી માધ્યમિક શાળા ભેંસાવહી ખાતે ભારત અભિયાન જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય દિનેશભાઈ કોલીએ જણાવ્યું હતું કે આજનું યુવા ધન વ્યશનોમાં ફસાઈને આવડે માર્ગે જઈ રહ્યું છે ત્યારે નશામુક્ત ભારત અભિયાન એ ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે આજે તમે સોપારી થી શરૂઆત કરશો તો કાલે તમે દારૂ સુધી પહોંચી જશો માટે આવી બદીઓથી દૂર રહેવા કડક શબ્દોમાં જણાવ્યું હતું.
સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર થી આવેલા મહેન્દ્રભાઈ પરમાર વિદ્યાર્થીઓને કહ્યું હતું કે અભ્યાસકાળ દરમિયાન જ વ્યસન ની ભયાનકતાને સમજો અને વ્યસનથી દૂર રહો આજે તમે સાદી મસાલા ગુટકા ખાશો કાલે તમને તમાકુવાળી ગુટકા ખાવાનો શોખ થશે , ધીમે ધીમે બીડી, સિગરેટ ઉપર ચડશો અને ભવિષ્યમાં તમે દારૂની બદી તરફ પણ વળી જશો, તો શરૂઆતથી જ આપણે તેનાથી દૂર રહીએ એ ખૂબ જરૂરી છે. હાલ તમે જે કૂદી કૂદીને ગુટકા ખાવ છો એ ગુટકા ની આડ અસરો જોવી હોય તો એસએસજી હોસ્પિટલ અથવા કેન્સરના દવાખાનામાં જઈને એક ચક્કર મારી લો ત્યાં દર્દીઓની દશા જોશો ત્યારે તમે ત્યાંથી જ વ્યસનને છોડીને આવશો.
વ્યસનની ભયાનકતાને બાળકોને સમજાવી હતી તેમજ બાળકોને સંદેશો લઈ પોતાના ઘર, કુટુંબ, ગામમાં પહોંચી એ સંદેશો પહોંચાડવા આહવાન કર્યું હતું. તમે ગુટકાના વ્યસનમાં છો જ્યારે કેટલાક ગામડામાં કેટલાક વડીલો દારૂના વ્યસની હોય છે ત્યારે તેઓ પણ આ વ્યસનમાંથી મુક્ત રહે તેવું કરવા બાળકોને આહવાન કર્યું હતું. છેલ્લે વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ ગણપતભાઈ બારીયા દ્વારા કરવામાં આવી હતી તેમજ તેઓએ પોતાનું બીડીના વ્યસન ની વાત કરી, તેઓની રેલવે સ્ટેશન ઉપર શું દશા થઈ હતી તે ઉદાહરણ ટાંકી વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ