

પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નાગરિક સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે. નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલે આ બાબતે પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં બેંકમાં આશરે 11 જગ્યાઓ માટે ભરતી ખાનગી રીતે કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
રજુઆત મુજબ આગામી 11 જાન્યુઆરી 2026ના રોજ શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે ખાનગી ઇન્ટરવ્યુ ગોઠવીને માનીતા ઉમેદવારોને નોકરી આપવાની તૈયારી ચાલી રહી છે. વધુમાં સમિતિએ જણાવ્યું છે કે બેંકના લગભગ 95 ટકા ડિરેક્ટરોએ RBIની માર્ગદર્શિકા મુજબનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોવા છતાં સત્તામાં રહી પોતાના સંબંધીઓને નોકરીએ લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ગેરકાયદેસર ભરતીથી બેંકના સભાસદો અને બેરોજગાર યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. જો ભરતી પ્રક્રિયા તાત્કાલિક રોકવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને બેંકના સત્તાધીશોને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ