છોટાઉદેપુર,04 સપ્ટેમ્બર (હિ.સ.) સિહાદા ગામની એક પ્રસૂતા મહિલાને આજે સવારે પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવા માટે 108 બોલાવી હતી, પરંતુ નદીમાં પાણી વધુ હોવાથી 108 પહોંચી ન શકતા પ્રસૂતાને ચાલતા નદી પાર કરાવતો વીડિયો વાઇરલ થયો છે.
છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના સિહાદા ગામની એક પ્રસૂતા મહિલાને આજે સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ત્યારે પરિવારજનોએ 108ને બોલાવી હતી, પરંતુ ગામમાંથી પસાર થતી ધામણી નદીમાં પાણી વધુ હોવાથી 108 નિશાળ ફળિયા સુધી પહોંચી શકે તેમ ન હોવાથી સામે કિનારે દર્દીની રાહ જોઈ હતી. ત્યારે પ્રસૂતા મહિલાને પરિવારજનો જીવ ન જોખમે ચાલતા નદી પાર કરાવતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સિહાદા ગામની પ્રસૂતા મહિલાને ચાલતા મળી નદી પાર કરાવીને 108 સુધી પહોંચાડી હતી અને ત્યાર બાદ ત્યાંથી પ્રસૂતાને પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારની આ વરવી વાસ્તવિકતા છે કે જ્યાં નદી નાળા છલકાઈ જતાં અવર જવર બંધ થઈ જાય છે. ત્યારે બીમાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે લોકોને જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ