છોટાઉદેપુર,04 સપ્ટેમ્બર (હિ.સ.) છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી અને 35,000 શહેરીજનો માટે જીવાદોરી બનેલી ઓરસંગ નદીમાં દિવસ-રાત બેફામ રેતી ખનન થઇ રહ્યુ છે. ઓરસંગ નદીમાં જ નગર પાલિકાના બે વોટરવર્કસ આવેલા છે. જેના કારણે નગરજનોને વર્ષભેર પીવાનું પાણી પુરુ પડાય છે. પર઼તુ છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે રેતી ખનન કરાતાં વોટરવર્કસનું લેવલ નીચુ જતાં છોટાઉદેપુરમાં પાણીનું સંકટ સર્જાય છે. જેના પગલે ચીફ ઓફિસરે ગેરકાયદે રેતી ખનન કરનારાઓને રોકવા ઓરસંગના પટમાં જ 5 ફૂટ ઉંડા ખાડા ખોદીને પ્રવૃતિને રોક લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે ખાણ ખનીજ વિભાગ કે જેની જવાબદારી છે તે આ ગેરકાયદે ચાલતી પ્રવૃતિને રોકવા કેમ કાર્યવાહી નથી કરતી ? તે પ્રશ્ન ચર્ચાની એરણે ચઢ્યો છે. છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં નગરપાલિકા સંચાલિત બે વોટર વર્કસ 35,000 ની વસ્તીને પાણી પૂરું પાડે છે. જેની ફરતે આજથી પંદર વર્ષ પહેલાં રેતીના થર હતા. જે સમય જતાં ખનન થતાં હાલ જોવા મળતા નથી. જેથી અગાઉના સમયમાં મે માસ સુધી નદીમાં પાણી રહેતું હતું જે હવે માર્ચ માસમાં જ સમાપ્ત થઈ જાય છે. જ્યારે ગેરકાયદે રેતી ખોદકામને લીધે વારીગૃહની ચેનલોને પણ નુકસાન થાય છે. જ્યારે નગરપાલિકાએ હાફેશ્વરથી પાણી વેચાતું મંગાવવાનો વારો આવે છે. દર વર્ષે માત્ર ચોમાસાને છોડીને આઠ મહિના સુધી રેતી ખનન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. રાત્રિના સમયે જાણે નદીમાં મેળો જામ્યો હોય તેમ ટ્રેક્ટર દેખાય રહ્યા છે પરંતુ આ પ્રવૃતિને અટકાવવા કોઇ કાર્યવાહી કરાતી નથી.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ