
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ઓક્ટોબર–ડિસેમ્બર સત્રની ત્રીજા અને અંતિમ તબક્કાની પરીક્ષાઓનું આયોજન 1 જાન્યુઆરી 2026 થી 9 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. આ તબક્કામાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સમગ્ર ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં કુલ 186 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓ યોજાશે. અંદાજે 90,000 થી 1,00,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. વહીવટી કારણોસર ત્રણ પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા આયોજિત ત્રણ તબક્કાની પરીક્ષાઓમાંથી પ્રથમ બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. ત્રીજા તબક્કાની પરીક્ષાઓ માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ